ચાલુ વર્ષે યોજાનાર કૃષિ મહોત્સવ-૦૭ અંતર્ગત મત્સ્યોઘોગ ક્ષેત્રે સંકળાયેલા માછીમારોને રાહત થાય તે માટે કેરોસીન કે પેટ્રોલથી ચાલતી ૬૦૦૦ જેટલી નાની એફ.આર.પી. બોટમાં ચાલુ વર્ષથી કૃષિ મહોત્સવ દરમિયાન પ્રતિ બોટ આશરે રૂ. ૬૦૦૦ની કિંમતની એલ.પી.જી. કીટનું વિતરણ વિના મૂલ્યે કરવામાં આવશે. ૬૦૦૦ જેટલા નાના માછીમારોને તેનો લાભ મળશે.
મત્સ્યોઘોગ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મત્સ્યોઘોગ વિભાગ પરની અંદાજપત્રીય માગણીઓ પરની ચર્ચાનો જવાબ આફતાં વધુમાં જણાવ્યું હતું કે, મત્સ્યોઘોગ વિભાગ દ્વારા સૌ પ્રથમવાર અમલી બનનાર આ યોજનાને પરિણામે નાના માછીમારોને તેમના રોજીંદા ખર્ચમાં ૫૮ ટકા જેટલી બચત થશે. તેમજ પર્યાવરણીય પ્રદુષણમાં પણ ધટાડો થશે. આર્થિક રાહતના કારણેનાના માછીમારોનું જીવન ધોરણ પણ સુધરશે.
ઉપરોક્ત જાહેરાત ઉપરાંત અન્ય એક અગત્યની જાહેરાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, સાવ નાના પગડીયા માછીમારો અને માછીમાર બહેનોની ચિંતા કરીને તેમને ઇસ્યુલેટેડ બોકસની વિના મૂલ્યે વહેંચણી કરાશે. રાજ્ય સરકારે તમામ સ્તરના માછીમારોની ચિંતા કરી છે. નાના પગડીયા માછીમારો કે જે મહદઅંશે ગરીબી રેખા નીચે જીવે છે તે અથાગ મહેનત કરીને માછલી પકડે છે પરંતુ તેને લાંબા સમય સુધી આરોગ્યપ્રદ રહે ત્યાં સુધી આપવાની અપૂરતી સુવિધાને કારણે તેની મહેનત પાણીમાં જાય છે અને તે માછલીઓ બગડી જતાં, વેચાણ લાયક ન રહેતાં ફેંકી દેવી પડે છે આમ ન બને તે માટે રાજ્ય સરકારે ચાલુ વર્ષે એક પગલું ભરીને આવા નાના પાંચ હજાર જેટલા માછીમારો માટે અને વેચાણની જવાબદારી સંભાળતી બહેનો માટે રૂ. ૩૦૦૦ની કિંમતનું ઇન્સ્યુલેટેડ બોક્સ કૃષિ મહોત્સવ દરમિયાન વિના મૂલ્યે આપવાનો નિર્ણય કર્યો છે તેના કારણે લાંબા સમય સુધી માછલી આરોગ્યપ્રદ રીતે સાચવી શકાશે, તેનુ વેચાણ કરી શકાશે અને ગરીબ લોકો ગરીબી રેખાથી બહાર આવશે.
મત્સ્ય બંદરોના વિકાસ અને જળાશયોની જાળવણી અંતર્ગત કેટલીક વિગતો આપતાં ચુડાસમાએ ગૃહમાં જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર-કચ્છ કિનારા ઉપર આવેલા મત્સ્ય બંદરો ઉપરનો ટ્રાફિક ધટાડવા હાલના મત્સ્ય બંદરોની સુવિધાઓમાં વધારો કરવા તેમજ અન્ય મત્સ્ય બંદરો વિકસાવવાનો સુનિતિ કાર્યક્રમ હાથ ધરાયો છે. પોરબંદર, માંગરોળ અને વેરાવળના મત્સ્ય બંદરનો વિકાસ કરાશે, જાફરાબાદ નવા બંદર, ભદેલી-જગલાલા, સૂત્રાપાડા અને ઉમરગામને વિકસાવવાની કામગીરી હાલમાં ચાલી રહી છે. |